Description
રાગ એકબીજાનો, સૂર એકબીજાનો, લય એકબીજાનો, સંગીત એકબીજાનું અને ધ્વનિ એકબીજાનો... એક સાથે પ્રગટ થયેલા પાંચ પુસ્તકોનો આ સેટ મારી કોલમમાં લખાતા રહેલા વિચારોનું સંકલન છે. આ પાંચ પુસ્તકો સાથે ‘એકબીજાને.....’ શ્રેણીના અઢાર પુસ્તકો પૂરા થયાં છે. આ પુસ્તકો મેં નથી લખ્યા, પણ લગભગ રોજ અઢીસો વાચકોના મેઈલ આવે છે. એમના જીવનની અંગત સમસ્યા એ પૂરા વિશ્વાસ સાથે દિલ ખોલીને મને લખે છે. અંગત સમસ્યોના હલ શોધવો એ મારી આવડત નથી. મારી પોતાની સમસ્યાઓના ઉકેલ પણ ક્યારેક હું શોધી શકતી નથી, એવું મારે પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ. એક સારો ર્ડાક્ટર પોતે પોતાની સર્જરી સારી રીતે કરી શકે નહીં, એ સ્વભાવિક જ છે ને ? મારી જાતને ર્ડાક્ટર નથી કહેતી, પરંતુ મારી આસપાસની દુનિયાને મેં બહુ નજીકથી જોઈએ છે, ઓળખી છે, સમજી અને સ્વીકારી છે. પીડાના ઘૂંટડા આંસુના ગ્લાસ સાથે ગળે ઉતારી દીધા છે...હું કોઈ સવાલોના જવાબ નથી શોધતી. સવાલો, પીડા, પ્રશ્નો અને અભાવ સાથે પણ સારી રીતે કેમ જીવી શકાય એનું જીપીએસ તૈયાર કરતી રહી છું, હું ! બસ, આ પુસ્તકો એવા જ એક જીપીએસનો હિસ્સો છે.